બોન્ડ, ડિબેન્ચર કે debt માં રોકાણ અંગે એ બધું જ, જે તમે જાણવા માંગો છો. Debt = ડેબ્ટ?

હમણાંના સમયમાં નાના રોકાણકારોનું ડેટ સાધનોમાં રોકાણ ઘણું વધી ગયું છે, અને તે પણ તેઓ સૌ હોંશે હોંશે કરી રહ્યા છે. તેનું મુખ્ય કારણ ડેટ રોકાણમાં પુરી સલામતી છે તેવી વર્ષોથી સમાજમાં ચાલી આવતી દ્રઢ માન્યતા તેમજ લાગણી છે. ડેટમાં કરેલા રોકાણ સલામત છે? સામાજીક લાગણી અને માન્યતાનો આધાર મજબૂત છે કે પોલો? આ મુદ્દા પર આ લેખમાં ચર્ચા કરીશું.
ડેટ (Debt) વિષે થોડી મૂળભૂત વાત:
Debt (દેવું, ઋણ) વિષે વધારે વાત કરીએ તે પહેલાં: આપણે ત્યાં મોટાભાગના લોકો debt ને ‘ડેબ્ટ’ બોલે છે, સાચો ઉચ્ચાર છે: ડેટ, તેવીજ રીતે debtor (દેવાદાર) નો સાચો ઉચ્ચાર ડેટ(હ) થાય છે, ડેબ્ટર નહીં. જે પૈસા આપે અથવા રોકે તે લેણદાર – creditor અને લે તે દેવાદાર – debtor. ટૂંકમાં, આપણા પૈસા જયારે કોઈને લોન તરીકે ધીરીએ, તેને ડેટમાં રોકાણ કરેલું કહેવાય.
હવે મને એમ કહો કે પૈસા કઈ કઈ રીતે રોકી શકાય? તમે કહેશો કે ઘણી બધી રીતે, જેમકે બેન્ક FD, Company FD, લાઈફ ઇન્સ્યોરન્સ, NSC, PPF, KVP, Govt./ Railway/ Infrastructure – બોન્ડ, ડિબેન્ચર, શેર, લાઈફ ઇન્શ્યોરન્સ, ફિક્સ્ડ મેચ્યુરિટી પ્લાન, ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડ, ડેટ ફંડ, મિત્રને, સગાને, અથવા કોઈ વેપારીને આપેલી લોન, વિ. વિ…
અ ધ ધ ધ…. આટલી બધી રોકાણની રીતો! તેને સમજવું કેટલું બધું અઘરું છે?
તો ચાલો એને સહેલું બનાવી દઈએ… તેને વર્ગીકૃત કરીને.
અસલમાં, actually, આપણે પૈસા ફક્ત બે જ રીતે રોકી શકીએ છીએ, જમીન-મકાન અથવા સોનુ-ચાંદી-ઝવેરાતની ખરીદી સિવાય:- 1. લોન આપીને અને 2. મૂડી તરીકે ધંધામાં રોકીને – પોતાના કે કોઈના ધંધામાં ભાગીદાર તરીકે.
જુઓ, જેટલી પણ જગ્યાએ આપણે વ્યાજ કમાઈને પુરી-આખ્ખી મૂડી પરત મેળવવાના છીએ તે બધાને ડેટની કોલમમાં નાખી દ્દયો.
બોલો, હવે શું બાકી બચ્યું? શેર (Equity Share – એકવટી) અને લાઈફ ઇન્શ્યોરન્સ પોલિસી? જો તમારી લાઈફ ઇન્શ્યોરન્સ પોલિસી પ્યોર ટર્મ પોલિસી છે, તો તમે એક પ્રકારની ખાતરી ખરીદી છે, તે કોઈ રોકાણ નથી. પરંતુ જો 10-20 કે 30 વર્ષ પછી તેમાંથી તમને પૈસા પરત મળવાના છે, તો તેને એક લોનની કેટેગરીમાં મુકવી.
હવે એકવટી (Equity) શેર, જેમાં મૂડી પરત મળવાની કે ઉપરથી કોઈ ચોક્કસ ટકા વ્યાજ આપવાની કોઈ જ ખાતરી નથી. તેવી જ રીતે જો તમે પોતે મૂડી રોકીને ધંધો શરુ કર્યો હોય, તો એ બંન્નેને મૂડીની કોલમમાં મૂકી દો. હવે સહેલું લાગે છે?
ફક્ત બે જ ભાગમાં બધું વહેંચાઈ ગયુંને? એક ભાગ મૂડી અને બીજો ભાગ ડેટ.
અત્યાર સુધી આપણે એવું સાંભળીને મોટા થયા કે મૂડીથી ભાગીદારી કરીએ તે જોખમી અને લોન આપીએ તે સલામત! શું ખરેખર એ સલામત છે? તો ચાલો હવે જાણીએ ડેટમાં કેટલી સલામતી છે અને કેટલું જોખમ.
સેબી દ્વારા વર્ગીકરણ:
ભારત સરકારે સ્થાપેલી જામીનગીરી અને શેરબજારોના કામકાજ ઉપર દેખરેખ રાખતી એજન્સી એટલે સેબી (SEBI); જેનું પૂરું નામ ‘સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા’ છે.
સેબી દ્વારા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું વર્ગીકરણ આ પ્રમાણે કરવામાં આવ્યું છે: ડેટ ઇંસ્ટૂમેંટસ એટલે કોલ મની, બોન્ડ, ડિબેંચર્સ, સરકારી સિકયોરિટીઝ, ડિપોઝીટ સર્ટિફિકેટ અને કમર્શિયલ પેપર. અલગ-અલગ ફાઈનાન્શલ (financial) લક્ષ્ય મુજબ અલગ-અલગ ડેટ ફંડ હોય છે. લિકિવડ ફંડ, અલ્ટ્રા શોર્ટ ટર્મ ફંડ, શોર્ટ ટર્મ ફંડ, ગિલ્ટ ફંડ (સરકારની અને તેના દ્વારા રજુ કરાયેલી જામીનગીરીઓ, જેને પુરેપુરી સલામત ગણવામાં-માનવામાં આવે છે), ઇનકમ ફંડ, ક્રેડિટ ઓપ્યુર્ચનિટી ફંડ, મંથલી ઇનકમ પ્લાન, ફિક્સ્ડ મેચ્યોરિટી પ્લાન, વિ… સેબીનું વર્ગીકરણ ડેટમાં જોખમના પ્રકારને દર્શાવે છે.
રેટિંગ એજન્સી:
શું સેબીના માર્ગદર્શક નિયમો ડેટની અંદર રહેલા મૂડી તેમજ વ્યાજના જોખમને દર્શાવે છે? ના.
સેબીએ કરેલા વર્ગીકરણથી જોખમની તીવ્રતા નથી જાણવા મળતી – તો તે ક્યાંથી જાણવી? તેને માટે ઉચ્ચ કક્ષાની વૈશ્વિક પ્રાઇવેટ રેટિંગ એજન્સીનો આધાર લેવો પડે. આખા નાણાકીય વિશ્વમાં ડેટમાંનું મોટાભાગનું રોકાણ આ રેટિંગ એજન્સીએ જે તે ઇન્સ્ટ્રુમેન્ટને આપેલા રેટિંગને આધારે કરવામાં આવે છે.
શું આ રેટિંગ એજન્સી દ્વારા અપાયેલા ‘ઉત્તમ’ / ‘શ્રેષ્ઠ’ રેટિંગને આધારે તમે નચિંત થઇને રોકાણ કરી શકો છો? અથવા ‘ઉત્તમ’ રેટિંગને આધારે કરેલા રોકાણ પુરેપુરા સુરક્ષિત છે? હા અને ના. કારણકે, અગાઉ વિશ્વની ટોપ 5 માંની રેટિંગ એજન્સી દ્વારા ‘શ્રેષ્ઠ’ રેટિંગ (જેમકે, AAA) મેળવનાર કુંપનીઓ સમૂળગી ડૂબી ગઈ હોવાના ઘણા બનાવો બન્યા છે – ભારતમાં તેમજ વિદેશોમાં પણ. ત્યારે તેમાં સલામતી માનીને રોકાણ કરનાર ડેટ રોકાણકારોને પોતાની મૂડી ગુમાવવાનો વારો આવ્યો હતો. (દાખલા તરીકે: એનરોન (2001), (AA) AIG, મેરિલ લિન્ચ, બેર સ્ટર્ન્સ, ફેની મેય (AAA), ફ્રેડી મેક (AAA), વિ.,(2008) USAમાં અને એકદમ હાલનું ઉદાહરણ: IL&FS (2018) ભારતમાં.
USAનું ન્યૂઝલેટર ‘મોટ્લી ફૂલ’ એમ કહે છે કે તમારા રોકાણની તંદુરસ્તી જાણવા-સમજવા રેટિંગ એજન્સી પાસે નહિ જવું, કારણકે તે જાણવામાં તેઓ પોતે જ છેલ્લા હોય છે (#). હાલ પણ તેવા બનાવો બની રહ્યા છે અને હજુ પણ બનતા રહેશે. એનો અર્થ એ થયો કે રેટિંગ ઉપર આંધળો ભરોસો નહિ કરી શકાય. તો આ સાચા જોખમને કઈ રીતે ઓળખી શકાય?
જોખમની ઓળખ:
મૂળભૂત રીતે આપણે નાણાં વ્યાજે લેનારની ફક્ત આર્થિક મજબૂતાઈ ચકાસવાની હોય… તો તે કઈ રીતે ચકાસવું તેના વિષે અહીં ચર્ચા કરીશું. ધીરધારના ધંધામાં સૌથી અગત્યનું જોખમ ‘કાઉન્ટર પાર્ટી રિસ્ક’ (Counter Party Risk) તરીકે ઓળખાય છે – એટલે કે જે તે પાર્ટી લોન પરત કરવામાં અડધી અથવા પૂરી કાચી પડી જાય. તો ચાલો આપણે જાણીએ, એ પરિબળો જેના દ્વારા તેનું જોખમ માપી શકાય:
1. લોનની શરતો:
તમે આપેલી લોન કઈ શરતોને આધીન છે? કેટલાં વર્ષ સુધી ફિક્સડ છે? પુટ અને કોલ બંને ઓપ્શન ખુલ્લા છે કે ફક્ત કું. પાસે કોલ ઓપ્શન છે?, તેમાં મોર્ટગેજ@ છે? જો હોય, તો મોર્ટગેજ રાખનાર તટસ્થ એજન્સી આદરપાત્ર છે? વિ. પુટ ઓપ્શન એટલે તમે જયારે ચાહો ત્યારે (અથવા મુદત દરમિયાન નક્કી કરેલી તારીખોએ) કું. પાસેથી પૈસા પરત લઇ શકો અને કોલ ઓપ્શનનો અર્થ કું. જયારે ચાહે ત્યારે તમારા પૈસા પરત કરી શકે. મૉટે ભાગે કૂં.ઓ ફક્ત કોલ ઓપ્શનવાળા બોન્ડ, ડિબેન્ચર ઇસ્યુ કરે છે. તમારી પાસે પુટ ઓપ્શન હોતું નથી. અને જે ધ્યેય – ગોલ સાથે તમે નાણાં રોક્યા હોય તેનાથી વિપરીત ઘણા વહેલાં પૈસા પરત આવી જતાં હોય છે. કું. જે દિવસે પૈસા પરત કરે ત્યાં સુધીનુંજ વ્યાજ તમને ચૂકવે છે. તમને પૈસા મળી ગયા પછી તેની તાત્કાલિક બીજે વ્યવસ્થા કરવી પડે જેથી તમને વ્યાજનું નુકસાન નહિ જાય.
આવા બે દાખલાઓ જોઈએ:
1. સાલ 1992માં આવેલી યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની નાની કન્યાઓના સારા ભવિષ્ય માટે બનાવેલી ‘રાજલક્ષ્મી યુનિટ સ્કીમ’માં લમ્પસમ – એકસાથે પૈસા રોકવાના જે 16.20% થી 16.75% ના ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે કન્યાની ઉમર 21 થાય ત્યારે (ફક્ત ત્યારેજ) એકસામટા પરત મળે. તો જે માં-બાપોએ કન્યાની ઉચ્ચ કેળવણી અથવા તેનો લગ્ન ખર્ચ, વિ., એવું લક્ષ્ય નિરધાર્યું હોય, તે સ્વપ્ન ભોંયભેગુ થઇ ગયું કારણકે UTIએ કોલ ઓપ્શન ઉપયોગ કરીને આ પૈસા ખૂબ વહેલા, સાલ 2000માંજ પરત આપી દીધા – આને કહેવાય ‘નો (No) પુટ ઓપ્શન; ઓન્લી (Only) કોલ ઓપ્શન’.
2. તેજ રીતે સાલ 1996માં IDBI ડીપ ડિસ્કાઉન્ટ બોન્ડ લાવી હતી, આ બોન્ડ હેઠળ ફક્ત રૂ.5,300 રોકવાના જેની સામે 25 વર્ષ પછી (સાલ 2021માં) રૂ. 2,00,000 પરત મળવાના હતા (15.62% CAGR પર). પણ થોડાજ વર્ષોમાં સાલ 2000માં IDBIએ કોલ ઓપ્શન ઉપયોગ કરીને રોકાણકારોને પૈસા પરત કરી દીધા.
2. સુરક્ષિત અને બિન-સુરક્ષિત લોન:
(@ મોર્ટગેજ મૂક્યું હોય તો સિક્યોર્ડ નહીં તો અન-સિક્યોર્ડ; બજારમાં રોકાણ માટે આવતી 90% લોનની સ્કીમ e.g. બોન્ડ/ડિબેન્ચર/બેન્ક -કું. FD વિ. બધ્ધી અન-સિક્યોર્ડની કેટેગરીમાં આવતી હોય છે.) રોકાણકારો મૉટે ભાગે જ્યાં રોકાણ કરે છે તે બધું બિન-સુરક્ષિતની વ્યાખ્યામાં આવે છે. બેંક FD, કું. FD, બોન્ડ, ડિબેન્ચર, વિ. સર્વે બિન-સુરક્ષિત રોકાણો છે. રોકાણકારો, જાગો, સભાન થાવ, તમે આ લોકોને લોન આપી, પરંતુ સામે કોઈ પણ વસ્તુ કોલેટરલ અથવા જમીન પેઠે લીધી છે? અથવા કોઈ વિશ્વાસપાત્ર 3rd પાર્ટી તમને તેની લેખિત ગેરેન્ટી – સ્ટેમ્પ પેપર ઉપર આપવા તૈયાર છે?
તો પછી શા માટે ત્યાં લાઈન લગાવો છો? ફક્ત ચીલાચાલુ શિક્ષણ પધ્ધતિમાં બેંક FD, કું. FD, બોન્ડ, ડિબેન્ચર, વિ. સલામત રોકાણ કહેવાય એવું શીખવું છે, માટે?
3. બીજો મહત્વનો મુદ્દો જે રોકાણકારો ચુકી જાય છે તે છે કું.ની નફાશક્તિનો:
એમની પાસે કુલ મૂડી, અનામત ભંડોળ (Capital + Reserves) કેટલું છે? જેટલી ડેટ છે તેની સામે કું.નો નફો કેટલા ઘણો છે? એ જરૂરથી ચકાસવું જોઈએ દા.ત. ડેટ 100 કરોડ છે અને નફો 20 કરોડ છે (ચોખ્ખો નફો), તો તેનો મતલબ એવો કરી શકાય કે કું.ને પોતાનું ડેટ પાછું વળાવવામાં લગભગ 5 વર્ષ લાગે. અને જો કું ખોટ કરતી હોય, તો? તો તમેજ કહો, એવી કું.ને પૈસા ધીરાય?
4. ડેટ નો દુશ્મન કોણ?
સામાન્ય રીતે વ્યક્તિ, પેઢી, કું, અથવા સરકાર, – કોઈની પણ સધ્ધરતા તપાસવા માટે તેની નેટ વર્થ જોવાતી હોય છે. નેટ વર્થ એટલે કુલ મિલ્કતોમાંથી કુલ દેવા બાદ કર્યા બાદ બચતી રકમ, જો બચે તો તે પોઝિટિવ નેટવર્થ અને નહીં તો ઝીરો અથવા નેગેટિવ નેટવર્થ. બીજી રીતે એમ પણ સમજી શકાય કે તેની પાસે કોઈ એવી મિલકત ખરી કે જે આપણી પાસે અથવા કોઈ તટસ્થ એજન્સી પાસે ગીરવે મૂકી શકે?
આથી, સીધું છે કે જેટલા દેવા વધારે લીધા હોય, તેટલી નેટવર્થ ઓછી આવશે અથવા જો ખૂબ વધારે દેવું લીધું હોય, તો કદાચ નેગેટિવ પણ આવે. સામાન્ય રીતે જયારે આપણે કોઈને પૈસા ધીરતા હોઈએ ત્યારે જે તે વ્યક્તિની સધ્ધરતા જોતા હોઈએ છીએ – તેની કમાણી કેટલી છે?, તેણે અત્યારસુધી કેટલું દેવું લઇ રાખ્યું છે? દા.ત.: આપણા નજીક કામ કરતા રમેશ અને મહેશ નું ઉદાહરણ જોઈએ. જો રમેશની વાર્ષિક આવક 12 લાખ છે; તેણે 2 લાખનું દેવું અત્યાર સુધી લઇ રાખ્યું છે અને તમારી પાસે બીજા 2 લાખ 18% વ્યાજે માંગે છે, તો તમે એને આપશો? કદાચ હા, કાગળ પત્તર કરીને અને તમારા રમેશ સાથેના સારા સંબંધના આધારે તમે તેને આપી શકો. હવે મહેશ. મહેશની વાર્ષિક આવક 4 લાખ છે; તેણે 5 લાખનું દેવું અત્યાર સુધી લઇ રાખ્યું છે અને તમારી પાસે બીજા 2 લાખ 20% વ્યાજે માંગે છે, તો તમે એને આપશો? કદાચ ના. કેમ? તમને રૂ. 40,000/- દર વર્ષે વ્યાજ તરીકે મળશે… તો પણ નહિ? ના. તમે સાચા છો, કારણકે તમે મહેશને પૈસા આપવાનું જોખમ સમજો છો.
એક વ્યક્તિ પોતાની કુલ આવકના (વાર્ષિક કે માસિક) 25% રકમજ કુલ દેવા (વ્યાજ સહીત) પરત કરવામાં વાપરી શકે છે. વધુમાં વધુ 30%.
કું. ની બાબતમાં ડેટ-એકવટી રેશિઓ, ડેટ-એસેટ રેશિઓ તેમજ ડેટ-કેશ ફ્લો રેશિઓ જોવો પડે.
તો આજ રીતે શું આપણે જે કું.ના ડેટમાં – ડાયરેકટ્લી અથવા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ઈનડાયરેકટ્લી – રોકાણ કર્યું છે, તેમાં આ તપાસ, એનાલિસિસ કર્યું છે? મૉટે ભાગે નહીં. ઉપરના મુદ્દા માંથી શું જાણવા મળે છે? ડેટ જ પ્રોબ્લેમ છે. આપણે વધુ ડેટ મૂકીને ડેટ વધારીએ છીએ જે ફરી વધારે મોટો પ્રોબ્લેમ સર્જે છે. ઓછી મૂડીનું સોલ્યુશન વધુ મૂડી હોય શકે, જયારે ડેટને પાછી કરવા બીજું – મોટું ડેટ લેવું તે સોલ્યુશન નહીં, પ્રોબ્લેમ છે. એટલે કે ડેટનો દુશ્મન ડેટ પોતે.
5. ડેટ Vs. ફુગાવો
ઉપરના જોખમો કાઉન્ટર પાર્ટી જોખમો છે. તે સિવાય એક ખૂબ મોટું જોખમ છે, જે રોકાણકાર મોટેભાગે જાણતા નથી અને જાણે, તો ગણકારતા નથી. આ છે: લક્ષ્ય ચુકવાનું જોખમ. ઉદાહરણ સાથે આને સમજી લઈએ. માની લો કે તમારે ઘર માટે વિવિધ સાધનો લેવા છે, જેમકે: LED TV, ફ્રિજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ અવન, ડીશ વોશર, કિચન કેબિનેટ, સોફાસેટ, કબાટ-વોર્ડરોબ, ડબલ બેડ, વિ. વિ. જેની આજની કુલ કિંમત 10 લાખ થાય છે. હવે, તમારી પાસે કુલ બચત 10 લાખજ છે એટલે તમે વિચારો છો કે બધ્ધી બચત વાપરી કાઢીશું તો અણધાર્યા ખર્ચ આવશે ત્યારે શું કરીશું? તેથી તમે આ બચતને 6-7% વ્યાજે ‘સલામત’ જગ્યાએ મુકો છો. પરંતુ, તમારો દુશ્મન છે ફુગાવો. જો ફુગાવો પણ 6-7% ના દરથી વધે છે, તો 5 વર્ષ પછી તમે કેટલા આગળ નીકળ્યા હશો? એક ડગલુંય નહિ. કેવીરીતે? ગણતરી કરીને જોઈએ: તમારી બચત 5 વર્ષ પછી હવે 14 લાખ થઇ ગઈ છે, તમે ખુશ છો. આંકડાકીય દ્રષ્ટિએ તમે આગળ છો તેવું દેખાશે, પરંતુ સાચી અથવા શુદ્ધ રીતે તમે ક્યાં છો? હવે તમે ફરીથી બજારમાં જશો એ સાધનો લેવા જે તમે 5 વર્ષ પહેલાં સંયમ જાળવીને નહીં ખરીદ્યા હતા. બજારમાં આજે તેની કુલ કિંમત 14 લાખ થઇ ગઈ હશે – જે 7% વાર્ષિક વૃદ્ધિ દર્શાવે છે. એટલે કે, સાચી અથવા શુદ્ધ રીતે તમે ત્યાંના ત્યાંજ છો. આ પણ સૌથી મોટું જોખમ છે.
6. મેનેજમેન્ટની નિયત/નીતિમત્તા/એથિક્સ:
છેલ્લે જણાવ્યો છે, પરંતુ આનાથી વધારે મહત્વનો બીજો કોઈ મુદ્દો હોય શકે જ નહીં. મેનેજમેન્ટની નીતિમત્તા એ હંમેશા મહત્વનો મુદ્દો ભલે હતો, પરંતુ આજના સમયમાં તે ખૂબ ખૂબ મહત્વનો થઇ ગયો છે.
જ્યાં પ્રમોટર – મેનેજમેન્ટ પોતેજ બીજાના પૈસા ખાઈ જવાની પેરવીમાં હોય, ત્યાં નફો કરતી કું. પણ કાંઈ કરી નહિ શકે. અહીં આપણે ભરોસો મુક્યો અને ત્યાં મેનેજમેન્ટે પૈસા સેરવી લીધા… તમે પૂછશો “તો એને (એવી મેનેજમેન્ટને) કેવી રીતે ઓળખાય?”
માફ કરશો, આને ઓળખવાની કોઈ તૈયાર ફોર્મ્યુલા નથી આવતી. મોટી મોટી CA ફર્મ્સ પણ નહિ પકડી શકે, તેવી ગેરરીતિઓ આચરીને મેનેજમેન્ટ પૈસા સેરવી લેતી હોય છે. આને માટે તમારે કોઈ અનુભવી રોકાણ માર્ગદર્શકની જ સલાહ લેવી પડે.
તે છતાં તમે તેનો અગાઉનો ઇતિહાસ તો જાણીજ શકો છો. આગળ લોન લીધેલી, તે સમયસર ભરપાઈ કરેલી? પોતાના સપ્લાયર્સ, એમ્પ્લોઇઝ, તેવા તમામને સમયસર ચુકવણું કરે છે? વિ. વિ…. જેના પરથી તમને એકંદરે (મોટામોટી) તો સમજ આવીજ જશે કે એ કું, કે પાર્ટી લોન લેવાની કાબેલિયત ધરાવે છે કે નહિ?
અંક (નંબર) વગરના મુદ્દાઓ :
· કું. જે ક્ષેત્રમાં ધંધો કરે છે તે ક્ષેત્રના વિકાસના સંજોગો આવતા 5 વર્ષ સુધી કેવા દેખાય છે? ઉજળા કે સંઘર્ષમય?
· મેનેજમેન્ટ ખરેખર ધંધો કરીને આગળ વધવા માંગે છે? કે યેનકેન પ્રકારેણ પૈસા કમાઈને?
· કું. પોતાનો વકરો (turnover) ઉત્તરોત્તર વધારી રહી છે? તેને વધારવા માટે ગંભીર અને સતત પ્રયત્નશીલ છે?
· તેના ઉત્પાદનો (products) ક્યાં ક્યાં વેચાય છે?
· તેના ઉત્પાદનો (products) કેટલા ઘરાકો ખરીદે છે? એક – બે કે અનેક? કોઈ પણ એક ઘરાક 40-50% કે તેનાથી વધુ માલ ખરીદે છે? જો હા, તો તે કું. માટે ખરાબ (નેગેટિવ) છે.
· કું. પોતાના સપ્લાયર્સ, એમ્પ્લોઇઝ, તેવા તમામને સમયસર ચુકવણું કરે છે?
· કું. પોતાની ઉધારીનો સમય ટૂંકાવવા માટે કોઈ પગલાં લે છે?
· તેમના ધંધાની ઉઘરાણીઓ સમયસર આવે છે? (Cash flow કેવો છે?) પહેલાં બરાબર આવતી હતી અને હવે ખુબ સમય પછી અને અનિયમિત થઇ ગઈ હોય, તો તમારી લોન જોખમમાં આવી શકે છે.
· કું. પોતાના નકામા ખર્ચાઓ ઉપર કાપ મુકવાના કોઈ પગલાં લે છે?
(તે છતાં, તમારે કુલ મૂડીમાંથી કેટલા પૈસા ક્યાં રોકવા અને લક્ષ્યપ્રાપ્તિ તરફ વેગવાન ગતિ મેળવવી હોય તો તે માટે, સારા નીવડેલા રોકાણ કન્સલ્ટન્ટ – ફાઈનાન્શલ (financial) પ્લાનર – પાસે સંપૂર્ણ સલાહ લેવી હિતાવહ રહેશે).
તમારું ડેટ રોકાણ કેટલું સુરક્ષિત? આ બ્લોગનો પહેલો ભાગ અહીં સમાપ્ત થાય છે. વાચકોને મારી સલાહ છે, કે આ વાંચીને ઓછા માં ઓછી 2 કું.ઓ પર ઉપર પ્રમાણે એનાલિસિસ કરજો… આ લખવાનો ઉદ્દેશ્ય તમારી જિંદગીમાં જુલિયસ સીઝરને દગો કરનાર બ્રુટસ વિશેની જાણીતી ઉક્તિ: ‘You Too Brutus?'(Et tu, brute?) કે ‘જબ વી મેટ’ની ગીત (કરીના)ની જેમ: ‘કિતની ગધી થી મેં’ એવા સંજોગ નહીં પેદા થાય એ છે.
જો આ બ્લોગ/લેખ વાંચવામાં રસ પડ્યો હોય, તો અમને જરૂરથી જણાવશો… તમારો ઇમેઇલ ID આપશો, જેથી તમને તેનો બીજો ભાગ અમે ત્વરિત મોકલીએ. બીજો ભાગ તમને સાચો નિર્ણય લેવામાં ચોક્કસ વધુ મદદ કરશે..
(# https://www.fool.com/investing/general/2012/03/14/ratings-agencies-are-always-the-last-to-know.aspx)
પાછળથી ઉમેરેલી ખાસ નોંધ: #PMC બેન્ક ઉઠી જવાના અને તેની પાછળ લોકોએ ઉઠાવેલા ભયંકર પગલાંએ તેમનું જીવન નષ્ટ અને તેમના પરિવારને નધણીયાતા કરી દીધા છે. આવી ગંભીર ભૂલ નહીં થાત જો આપણે જાતેજ આપણા પૈસાના રોકાણ અંગે મૂર્ખામીભર્યા નિર્ણયો નહિ લેતા હોત. ફક્ત થોડા રૂપિયાની ફી ચૂકવીને અનુભવી અને જવાબદાર ફાઇનાન્શિયલ પ્લાનરની સલાહ પ્રમાણે રોકાણ કર્યું હોત તો આજે તેઓ સુખી અને સમૃદ્ધ હોત. શા માટે આપણે નિષ્ણાતોની સલાહ નથી લેતાં?
Written on 04th July, 2019
– અમિષ સરૈયા (Email: amish.saraiya@gmail.com)
Anand Wealth Consultants
Author is an ethical Financial Planner & Wealth Consultant with over 27 years of field experience. Apart from being fully involved in Research in equity and all asset classes, he has varied interests in the study of Behavioral Economics, betterment of Environment, New & Free Education system, Healthy and Happy living (New Diet System), Bird watching, Star gazing, Trekking in the Jungles, Mountains, etc.
#ડેટ #ડેબ્ટ #debt #riskindebtinvestment #allaboutdebtingujarati
To visit our Facebook page, please click this link:
https://www.facebook.com/anandwealthconsultants/